ડિવિઝન 10માં જાન્યુઆરી વર્ષ 2025ની સરખામણીએ આવકમાં 8.20% ની વૃદ્ધિ સાથે 22.11 કરોડ વધુ:
રાજકોટ ડીવીઝનને ડિસેમ્બર ૨૦૨૫ની તુલનામાં 28.51 % વધુ ટેક્સ મળ્યો છે જે વેપાર અને ઉદ્યોગોની તેજ ગતિ સૂચવે છે. નવાં વર્ષની શરૂઆતમાં રાજકોટના વેપાર અને ઉદ્યોગોની ગતિ તેજ બની છે અને તેની ઝલક સ્ટેટ જીએસટી કલેક્શનમાં જોવા મળી રહી છે. જાન્યુઆરી 2026 દરમિયાન સ્ટેટ જીએસટી રાજકોટ ડિવિઝન-10માં ટેક્સ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં નોંધાયેલ વેપારી કરદાતાઓ પાસેથી જાન્યુઆરી 2026માં કુલ રૂપિયા 291.71 કરોડની જીએસટી આવક પ્રાપ્ત થઈ છે. આ આવક જાન્યુઆરી 2025ની સરખામણીએ રૂપિયા 22.11 કરોડ વધુ છે, જે 8.20 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે નવા વર્ષમાં વેપાર-ઉદ્યોગોની પ્રવૃત્તિમાં વધારો થયો છે અને કરદાતાઓમાં ટેક્સ ભરવામાં પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. દિવાળી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટી રાહત મળી હતી. આ રાહતની સકારાત્મક અસર હવે ટેક્સ કલેક્શનમાં જોવા મળી રહી છે. વેપારનું વોલ્યુમ વધતાં સરકારની આવકમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર 2025માં રાજકોટ ડિવિઝનમાં રૂપિયા 227 કરોડની જીએસટી આવક નોંધાઈ હતી, જ્યારે જાન્યુઆરી 2026ના અંતે આ આંકડામાં 28.51 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં ક્વાર્ટર પૂર્ણ થતું હોવાથી ક્વાર્ટરલી રિટર્ન ફાઈલિંગ માટે કરદાતાઓમાં જાગૃતિ વધી હતી, જેનો લાભ જાન્યુઆરી મહિનાના કલેક્શનમાં થયો છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.