અમદાવાદ, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતના આગામી રાજ્ય બજેટ પૂર્વે 'ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન' દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવી વેપારી સમાજ અને અસંગઠિત ક્ષેત્રની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. ફેડરેશનના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ તન્ના દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં મુખ્ય ચાર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે:
૧. પ્રોપર્ટી ટેક્સમાં અસંગતતા દૂર કરવા વિનંતી:
ફેડરેશને રજૂઆત કરી છે કે કોમર્શિયલ મિલકતો પર પ્રોપર્ટી ટેક્સના વર્તમાન દરો ગેરવાજબી અને અસંગત છે. વેપારીઓ માટેના અલગ સ્લેબ દૂર કરી ન્યાયસંગત ટેક્સ પદ્ધતિ અપનાવવા માંગ કરી છે. વધુમાં જણાવાયું છે કે કોર્પોરેશન દ્વારા કોઈ વધારાની સુવિધા આપવામાં આવતી નથી, જેની સામે ટેક્સનો બોજ અસહ્ય છે.
૨. વ્યવસાય વેરા (Professional Tax) માંથી મુક્તિ:
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા ફેડરેશને જણાવ્યું છે કે વેપાર એ પ્રોફેશન નથી. 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સ્તરે વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવી જોઈએ. નાના વેપારીઓ પર લાયસન્સ ફી અને સ્થાનિક ચાર્જીસનો આર્થિક બોજ ઘટાડવા માટે 'સિંગલ ટ્રેડ રજિસ્ટ્રેશન સિસ્ટમ' અમલમાં મૂકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
૩. GST કામગીરીમાં પારદર્શિતા અને ફેસિલિટેશન સેલ:
GST અધિકારીઓની કડક કાર્યવાહીને કારણે વેપારીઓમાં ભયનું વાતાવરણ હોવાનું પત્રમાં જણાવાયું છે. બિનજરૂરી હેરાનગતિ રોકવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જિલ્લા સ્તરે 'ફેસિલિટેશન સેલ'ની રચના કરવી જોઈએ, જે માર્ગદર્શન આધારિત અને સમયબદ્ધ નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય.
૪. GST ટ્રિબ્યુનલની સત્વરે સ્થાપના:
લાંબા સમયથી પડતર એવા GST ટ્રિબ્યુનલના મુદ્દે ફેડરેશને ચિંતા વ્યક્ત કરી છે. ટ્રિબ્યુનલના અભાવે વેપારીઓને ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. રાજ્યમાં સંપૂર્ણ સક્ષમ અને સુવ્યવસ્થિત GST ટ્રિબ્યુનલની તાત્કાલિક સ્થાપના કરવી જોઈએ જેથી કાયદાકીય ગૂંચવણોનું ઝડપી નિરાકરણ આવે.
ગુજરાતની અર્થવ્યવસ્થામાં વેપારી વર્ગ રોજગારી સર્જક અને વિકાસનો મજબૂત સ્તંભ છે. આથી, આગામી બજેટમાં આ ન્યાયસંગત માંગણીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી આશા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.