સામાજિક ટિપ્પણી

ઓશો અને કર્મયોગ – ક્રિયામાંથી ધ્યાન સુધીની યાત્રા !

Bhavya D. Popat February 15, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

આધ્યાત્મિક વિશ્વમાં Osho એક અનોખું નામ છે. પરંપરાગત ધાર્મિક માન્યતાઓથી પર, ઓશોએ આધ્યાત્મિકતાને જીવંત અનુભવ બનાવ્યો. તેમના વિચારોમાં ‘કર્મયોગ’ માત્ર કર્મ કરવાની પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની એક જાગૃત પ્રક્રિયા છે.
કર્મયોગ શું છે?
પરંપરાગત રીતે કર્મયોગનો અર્થ છે — પરિણામની આશા રાખ્યા વિના કર્મ કરવું. પરંતુ ઓશોના મતે, કર્મયોગ એ માત્ર નિષ્કામ કર્મ નથી; તે ‘સચેતન કર્મ’ છે. ઓશો કહે છે: > “કર્મ કરવું જ છે — પ્રશ્ન એ છે કે તમે કર્તા બનીને કરો છો કે સાક્ષી બનીને?” અહીં ઓશોની મૂળ વાત સ્પષ્ટ થાય છે — પ્રશ્ન કર્મ છોડવાનો નથી, પણ કર્તાપણું છોડવાનો પ્રશ્ન છે.
ઓશોનું કર્મયોગ:
ધ્યાનપૂર્ણ ક્રિયા ઓશો સમજાવે છે કે જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ — વ્યવસાય, સેવા, સંબંધ, કલા — ત્યારે આપણે પરિણામ, પ્રતિષ્ઠા અથવા લાભ વિશે વિચારી રહ્યા હોઈએ છીએ. આ સ્થિતિમાં કર્મ બંધન ઉભા કરી દે છે. પરંતુ જો એ જ કાર્ય સંપૂર્ણ જાગૃતિથી, વર્તમાન ક્ષણમાં, સાક્ષીભાવથી કરવામાં આવે — તો તે કર્મ કર્મયોગ બની જાય છે. તેમના મતે: કર્મ પોતે બંધન નથી પરંતુ અજાગૃતિ બંધન છે અને જાગૃતિ મુક્તિ છે.
ગીતા અને ઓશો:
Bhagavad Gita માં ભગવાન કૃષ્ણે અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. ઓશો ગીતા પર અનેક પ્રવચનોમાં કહે છે કે કૃષ્ણનો મૂળ સંદેશ છે — “લડો, પરંતુ અંદરથી શાંત રહો.” ઓશો જણાવે છે કે ગીતા કોઈ ત્યાગનો ઉપદેશ નથી આપતી; તે જાગૃતિનો ઉપદેશ આપે છે. અંદરથી નિરાસક્તરહી બહારથી સંપૂર્ણ સક્રિય રહેવાનો ઉદ્દેશ ગીતામાં આપવામાં આવે છે અને ગીતા આજ કર્મને સાચો કર્મયોગ ગણાવે છે.
કર્તાપણું વિના કર્મ ઓશોના મતે વ્યક્તિનું સૌથી મોટું બંધન ‘હું કરું છું’ નો અહંકાર છે. જ્યારે વ્યક્તિ અનુભવે છે કે: જીવન જેમ વહે છે તેમ હું મારી જાતને ઢાળું, તમામ પરિસ્થિતિ જેવી છે તેનો સ્વીકાર કરું ત્યારે જીવન સરળ લાગતું થઇ જાય છે. હું માત્ર એક સાધન છું, ક્રિયા થતી જાય છે, એમ માનવામાં આવે ત્યારે કર્મયોગ સ્વાભાવિક બને છે. આ રીતે કરવામાં આવેલ કાર્ય થાક આપતું નથી; તે ધ્યાન બની જાય છે.
આધુનિક જીવનમાં કર્મયોગની પ્રાસંગિકતા:
આજના વ્યસ્ત જીવનમાં — ઉદ્યોગપતિ, વેપારી, વકીલ, ડોક્ટર, પત્રકાર, ગૃહિણિ — દરેક માટે ઓશોની કર્મયોગની વ્યાખ્યા અત્યંત પ્રાસંગિક છે. વકીલ ઓફિસમાં કામ કરે પણ મનમાં પરિમાણનું દબાણ ના રાખે, વેપારી વેપાર કરે પરંતુ ગ્રાહકને છેતરવા નહિ પરંતુ માત્ર વ્યાજબી નફો લેવાનો જ હેતુ રાખે, ડોક્ટર દર્દીની સેવા કરે, પણ મે દર્દીને સાજો કર્યો છે તેવો અહંકાર ના રાખે, પત્રકાર પોતાનું સર્વસ્વ આપી લેખ લખી પરંતુ ઓળખની અપેક્ષા ના કરે વિના કરો તો કર્મ કર્મયોગ બની જાય છે. ઓશો કહે છે: “ધ્યાન માત્ર ગુફામાં બેસીને કે એકલતા માં જ થાય તે જરૂરી નથી; ધ્યાન બજારમાં પણ થઈ શકે.” આથી કર્મયોગ જીવનથી ભાગવાનું નામ નથી, જીવનમાં પૂર્ણ રીતે પ્રવેશવાનું નામ છે.
(ઓશો વિચારો પરથી પ્રેરિત)

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW