માનવતા, ટકાઉપણું અને આર્થિક પ્રગતિને પ્રાધાન્ય આપવું છે જરૂરી: કૃત્રિમ બુદ્ધિમત્તા વ્યક્તિની બુદ્ધિમતાની વિરોધી નહિ પણ સહાયક: નિષ્ણાંતો
નવી દિલ્હી હાલમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની (AI) પરિવર્તનશીલ ક્ષમતાઓના વિષય પર એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પરિષદનું કેન્દ્રબિંદુ છે. ૧૬ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ સંમેલન સામે વિશ્વ મીટ માંડીને બેઠું છે. આ સંમેલનનું ઉદ્ઘાટન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા પોતાના "X" ઉપર જણાવવામાં આવ્યું હતું કે આ સંમેલન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિની પ્રતીતિ કરાવે છે અને ભારતીય યુવાનોની ક્ષમતા પ્રદર્શિત કરે છે. વૈશ્વિક સ્તરના આ સંમેલનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન, બ્રાઝીલના નેતા લુલા જેવા અનેક વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ હાજર રહેવાની અપેક્ષા છે.
ભારતમાં યોજાનારું આ સંમેલન AI વિકાસ અને અમલીકરણના ભવિષ્યના માર્ગને ઘડવામાં ભારતના સક્રિય વલણને રેખાંકિત કરે છે. રાષ્ટ્રનો અભિગમ વ્યૂહાત્મક રીતે તેના લોકોના લાભ માટે AI નો ઉપયોગ કરવા, પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવા અને વ્યાપક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. શિખર સંમેલનનો એજન્ડા સહયોગ અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે, જે વિશ્વભરના નિર્ણાયક આર્થિક ક્ષેત્રોમાં AI ના એકીકરણને વેગ આપવાનો હેતુ ધરાવે છે. ભારત માટે એક મુખ્ય ધ્યાન AI ટેકનોલોજીનું લોકશાહીકરણ છે, જે સુનિશ્ચિત કરે છે કે AI નો વિકાસ સમાજના તમામ વર્ગો માટે સુલભ બને. આમાં સ્થાનિક સંદર્ભો માટે તૈયાર કરાયેલા AI ઉકેલો વિકસાવવા અને સ્થાનિક ભાષાઓમાં નવીનતાને સમર્થન આપવા પર ભાર મૂકવામાં આવે છે, જે ટેકનોલોજીને વધુ સમાવિષ્ટ અને છેવાડાના નાગરિકોના ઉપયોગ માટે સુસંગત બનાવે. ઉલ્લેખનીય છે કે ભારતને વિશ્વમાં AI નું સૌથી મોટું માર્કેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કારણે જ ChatGPT, ગુગલ જેમીનાઈ જેવા AI માટે ભારત માટે પોતાની સેવાઓ ખુબ અલગ દરોએ આપવા ફરજ પડી છે. હાલના AI ના ભારતમાં થયેલ વિકાસથી એક બાબત પ્રતિપાદિત થઇ જાય છે કે ભારતના ટેકનોક્રેટસ તથા વપરાશકારો જોતા AI ક્ષેત્રે ભારતનું મહત્વ ઓછુ આંકવું કોઈ પણ કંપનીને પરવડે તેમ નથી.
આ સંમેલનમાં AI ને ભારતીય પરીપેક્ષમાં વ્યવહારુ, ઉપયોગી અને સસ્તું કેવી રીતે બનાવી શકાય તેના ઉપર વિવિધ નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પાંચ દિવસ ચાલનારા આ સંમેલનમાં દેશ વિદેશમાંથી ૨.૫ લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ સેવવામાં આવ્યો છે. ખુબ મોટા પાયે યોજાનાર આ સંમેલનમાં જો કે અવ્યવસ્થા અંગે ફરિયાદો ઉઠી રહી છે. ઘણા દેશી વિદેશી આમંત્રિતોને સંમેલનમાં પહોચવામાં મુશ્કેલી પડી હોવાની વિગતો બહાર આવી રહી છે. VIP ઓ થી ભરપુર સંમેલનોમાં ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે સંમેલન જેમના માટે યોજવામાં આવે છે તેવા ડેલીગેટ્સને જોઈએ એવું માન આપવામાં આવતું હોતું નથી. VIPની સેવા ચાકરીમાં વ્યસ્ત આયોજકો કથિત નોન VIP ની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જતા હોય છે. ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલોના કારણે લોકો આવા સંમેલનથી દુર થઇ જતા હોય છે જેના ખરાબ પરિણામ સમગ્ર આયોજન ઉપર પડતું હોય છે. વૈશ્વિક સ્તરના સંમેલનના આયોજન દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલ હોય આ આયોજનમાં આયોજકો દ્વારા વધુ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.