ગુવાહાટી: ભારતીય વાયુસેના (IAF) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આસામમાં નિયમિત ઉડાન દરમિયાન વાયુસેનાનું અદ્યતન સુખોઈ-30MKI ફાઈટર જેટ રડાર પરથી ગુમ થયું છે. વિમાનનો સંપર્ક તૂટતાની સાથે જ સંરક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને તાત્કાલિક ધોરણે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જોરાહટ એરબેઝથી ભરી હતી ઉડાન
મળતી વિગતો મુજબ, આ શક્તિશાળી ફાઈટર જેટે આસામના જોરાહટ વિમાન મથકેથી પોતાની ઉડાન ભરી હતી. જોકે, ગુવાહાટીના એરસ્પેસમાં પહોંચતાની સાથે જ અચાનક ભારતીય રડાર સિસ્ટમમાંથી આ વિમાન ગાયબ થઈ ગયું હતું. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી જવાથી વિમાન કઈ દિશામાં ગયું અથવા તેની સાથે શું દુર્ઘટના ઘટી તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે.
યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનના છેલ્લા લોકેશનને ટ્રેક કરીને તે વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી છે. "તમામ ઉપલબ્ધ સંસાધનો સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે," તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આસામના ગીચ જંગલો અને પહાડી વિસ્તારોમાં વિમાનની શોધખોળ કરવી પડકારજનક બની રહી છે.
સુરક્ષા અને તપાસ પર ભાર
સુખોઈ-30MKI એ ભારતીય વાયુસેનાનું સૌથી મહત્વનું અને શક્તિશાળી યુદ્ધ વિમાન માનવામાં આવે છે. આ ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર છે કે પછી ખરાબ હવામાન, તે તપાસનો વિષય છે. હાલમાં તમામનું ધ્યાન પાયલોટ્સની સુરક્ષા અને વિમાનના લોકેશન પર કેન્દ્રિત છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.