મોરબીના સિરામિક ઉદ્યોગ પર યુદ્ધના વાદળો: ઉત્પાદન ઠપ્પ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના પાયા સમાન મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે પ્રોપેન ગેસના પુરવઠામાં મોટો વિક્ષેપ પડતા અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલા સિરામિક યુનિટોને તાળા લાગી ગયા છે. ઈંધણની આ તંગી ઉદ્યોગ જગત માટે ચિંતાનો વિષય બની છે.
૪૦૦ થી વધુ એકમો પર બંધ થવાનું જોખમ
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ અવાડિઆએ પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું કે, "છેલ્લા બે દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય મળતો બંધ થયો છે." જો આગામી એક સપ્તાહમાં પુરવઠો પૂર્વવત નહીં થાય તો અન્ય 400 જેટલા કારખાનાઓ પણ બંધ કરવાની ફરજ પડશે. હાલમાં જે એકમો ગુજરાત ગેસ પર કાર્યરત છે, તેમની પાસે પણ મર્યાદિત જથ્થો હોવાથી 20 માર્ચ સુધીમાં મોટાપાયે શટડાઉન આવવાની ભીતિ સેવાઈ રહી છે.
નિકાસ અને આર્થિક ચક્રને મોટો ફટકો
વિશ્વના સૌથી મોટા સિરામિક હબ તરીકે જાણીતું મોરબી અત્યારે લોજિસ્ટિક્સ અને ફ્યુઅલ કટોકટીનો સામનો કરી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવને કારણે શિપમેન્ટ અટવાયા છે, જેનાથી પેમેન્ટ સાયકલ ખોરવાઈ ગઈ છે. જોકે, આ કપરા સમયમાં પણ ઉદ્યોગપતિઓ માનવતા દાખવી શ્રમિકોને સાથ આપી રહ્યા છે. કારીગરોની રોજગારી ન છીનવાય તે માટે ફેક્ટરી માલિકો સતત પ્રયત્નશીલ છે.
સરકારી રાહતની આશા
આ વૈશ્વિક સંકટ સામે લડવા માટે ઉદ્યોગ જગતે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને ટૂંક સમયમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી રાહત પેકેજ કે અન્ય વિકલ્પો પર ચર્ચા કરી શકે છે. હાલમાં સમગ્ર ઉદ્યોગની નજર ખાડી દેશોની સ્થિતિ અને ગેસ સપ્લાય લાઇન ક્યારે શરૂ થાય છે તેના પર ટકેલી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.