ભાદર નદીના પુલ પર સર્જાયો ભયાનક અકસ્માત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે સવારે એક મોટી હોનારત થતા રહી ગઈ છે. ભાદર નદીના રેલવે પુલ પર પુના-વેરાવળ ટ્રેનની અડફેટે એક બાઈક આવી જતાં તેના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ યુવાનીમાં વધી રહેલા સેલ્ફી અને રીલ્સના ક્રેઝે ફરી એકવાર ખતરાની ઘંટડી વગાડી છે.
ટ્રેક પર બાઈક મૂકી ફોટોગ્રાફીમાં મશગૂલ હતો યુવક
ઘટનાની વિગત મુજબ, એક અજાણ્યો યુવક પોતાનું બાઈક રેલવે ટ્રેક પર વચ્ચે રાખી મોબાઈલમાં વ્યસ્ત હતો. પ્રત્યક્ષદર્શી ચંદુભાઈ ભારોલાએ જણાવ્યું હતું કે, "બાઈક ચાલક ટ્રેક પર ગાડી મૂકી સેલ્ફી લઈ રહ્યો હતો, પણ જેવી ટ્રેન નજીક આવતી જોઈ કે તરત જ તે બાઈક મૂકીને રફુચક્કર થઈ ગયો હતો." ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી હોવા છતાં ટ્રેન બાઈક સાથે અથડાઈ હતી અને બાઈકનો કચરઘાણ નીકળી ગયો હતો.
રેલવે વ્યવહાર અડધો કલાક ખોરવાયો
આ ગંભીર બેદરકારીને કારણે ટ્રેનને અંદાજે ૩૦ મિનિટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. અકસ્માત બાદ રેલવે ટ્રેક પરથી બાઈકનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જરૂરી તપાસ અને ક્લિયરન્સ મળ્યા બાદ ટ્રેનને વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી. હાલમાં રેલવે પોલીસ અને RPF દ્વારા આ બાઈક કોનું છે અને તે યુવક કોણ હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
તંત્રની કડક કાર્યવાહીની તૈયારી
રેલવે સત્તાધીશોએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. રેલવે ટ્રેક પર આ પ્રકારે જોખમી ફોટોગ્રાફી કરવી એ ફોજદારી ગુનો બને છે. સ્થાનિક રહીશો અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા લોકોને આવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફરાર થઈ ગયેલા યુવકને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.