ઊર્જા

ઘરેલું LPGના ૫ કિલોની બોટલ અને પાઈપ દ્વારા આપવામાં આવતા ગેસ PNG નો વ્યાપ વધારવા સરકારના પ્રયાસો

Bhavya D. Popat April 13, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધબંધી અંગે સહમતી ના થતા લાંબા સમય માટે તેલ અને ગેસ અંગે ઠોસ આયોજન અનિવાર્ય

નવી દિલ્હી: ઘરેલું ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાના વ્યૂહાત્મક પગલા તરીકે, ભારત સરકાર દ્વારા 5-કિલોગ્રામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની ફાળવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ફાળવણીમાં ઘરેલું ગ્રાહકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પુનઃ ગોઠવણીમાં રાષ્ટ્રભરમાં રસોઈ માટે અવિરત ગેસ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યાપારી સ્થાપનોને આપવામાં આવતા ગેસમાં કાપ મુકવામાં આવ્યો હોવાનું ફલિત થાય છે.

સુત્રો દ્વારા વિગતો આપી જણાવવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૬થી એટલેકે જ્યારથી ઈરાન યુદ્ધ શરુ થયું છે ત્યારથી ૪૨૪૦૦૦ જેટલા નવા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના કનેક્શન આપવામાં આવ્યા છે. આ સાથે જ સરકારની PNG હોય તેવા ગ્રાહકોને LPG સીલીન્ડર કનેક્શન જતું કરવાના આદેશને પગલે ૩૦૦૦૦ જેટલા કનેક્શન ગ્રાહકો દ્વારા જતા કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરકાર દ્વારા પ્રાપ્ત વિગતો ઉપરથી એ ફલિત થાય છે કે ૨૩ માર્ચથી અંદાજીત ૧૩ લાખ થી વધુ ૫ કિલોના ફ્રી ટ્રેડ સીલીન્ડરનું (સબસીડી લાગુ ના હોય તેવા સીલીન્ડર) વેચાણ કરવામાં આવ્યું છે, જે દૈનિક ૧ લાખ સીલીન્ડરની રાશ સૂચવે છે.

ઉલ્લેખનીય છે કે ભારતનું ૫૦% જેટલું તેલ, ૯૦% જેટલો LPG મધ્ય એશિયામાંથી આવે છે જેના પુરવઠાને ઈરાન યુદ્ધના કારણે ગંભીર અસર થઇ છે. આજે ઈરાન યુદ્ધને ૬ અઠવાડિયા જેવો સમય થઇ ગયો છે અને અગાઉ જાહેર કરેલી યુદ્ધબંધી ઉપર અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતી સાધી શકાઈ ના હોય આ સંકટ આવનારા દિવસોમાં વધુ ગંભીર બની શકે છે. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતમાં LPGની કોઈ તંગી નથી અને એપ્રિલ મહિનામાં ૫૨ લાખ સીલીન્ડરનું વેચાણ થયું છે જે સામાન્ય સ્થિતિ દર્શાવે છે.

સરકાર દ્વારા ગેસ કંપનીઓને કોમર્શીયલ વપરાશ માટે LPG ના બદલે PNG ના વેચાણ પર વધુ ભાર મુકવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણય કદાચ લાંબાગાળામાં કોમર્શીયલ વપરાશ માટે LPG થી PNG તરફ બદલાવનો નિર્દેશ પણ આપી રહ્યો છે. ગેસ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવો ઉપર નિયંત્રણ રાખવા સરકાર દ્વારા લીટરે ૧૦ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી અગાઉ ઘટાડવામાં આવી હતી. હવે એક્સપોર્ટ ઊપર વધુ ડ્યુટી લાગુ કરવામાં આવી છે જેથી ભારતમાં ઉપ્તાદન થતું તેલ વિદેશ એક્સપોર્ટ કરવાને બદલે ભારતમાં વેચાણ કરવામાં આવે.

સરકાર દ્વારા આ તમામ પગલા લેવામાં આવ્યા હોવાથી હાલ જમીની સ્તરે પરિસ્થિતિ સામાન્ય રહેવી શક્ય બની છે. પરંતુ નિષ્ણાંતો માને છે કે આ યુદ્ધ વધુ ચાલશે ત્યારે આગળ ભારતમાં પેટ્રોલ ડીઝલ તથા ગેસના પુરવઠા પર અસર થાય તે સ્વાભાવિક છે અને આ માટે પ્રજાએ તૈયાર રહેવું જોઇશે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW