2026 ની “ઘોસ્ટ શિપ” : કેવી રીતે એક શાંત વાયરસે વિશ્વને ચોંકાવી દીધું
દુનિયામાં કોરોના મહામારી પછી લોકો માનતા હતા કે હવે મોટા વાયરસનો ખતરો ઓછો થયો છે. પરંતુ 2026માં બનેલી એક ઘટના ફરીથી સાબિત કરે છે કે પ્રકૃતિ હજુ પણ માનવજાત માટે અજાણી અને ભયાનક ચેતવણીઓ છુપાવીને બેઠી છે. દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાના ઉશુઆઇઆ બંદર પરથી નીકળેલી એક લક્ઝરી ક્રૂઝ યાત્રા થોડા જ દિવસોમાં “ઘોસ્ટ શિપ” બની ગઈ હતી.
આનંદમય સફરથી મૃત્યુના ડર સુધી
1 એપ્રિલ, 2026ના રોજ 23 દેશોના લગભગ 150 મુસાફરો સાથે આ ક્રૂઝ એન્ટાર્કટિકા અને દક્ષિણ એટલાન્ટિક તરફ રવાના થઈ હતી. શરૂઆતના દિવસોમાં યાત્રીઓ આનંદ માણી રહ્યા હતા. પરંતુ 6 એપ્રિલે એક 70 વર્ષીય ડચ મુસાફરને તાવ અને માથાનો સખત દુખાવો શરૂ થયો. શરૂઆતમાં સામાન્ય બીમારી માનવામાં આવેલી સ્થિતિ થોડા જ દિવસોમાં ગંભીર બની ગઈ અને 11 એપ્રિલે તેનું મૃત્યુ થયું. આ પછી ઘટનાક્રમ વધુ ભયાનક બનતો ગયો. મૃતકની પત્ની પણ સ્ટ. હેલેના ટાપુ પર બેભાન થઈ પડી અને એમ્સ્ટરડમ જતાં પહેલાં જ તેનું પણ મોત થયું. ત્યારબાદ જર્મનીની એક મહિલા મુસાફરનું પણ કૃઝમાં જ મૃત્યુ થયું. હવે, ક્રૂઝને કોઈ દેશ પ્રવેશ આપવા તૈયાર નહતા. આખી દુનિયા માટે આ જહાજ “ઘોસ્ટ શિપ” બની ગયું હતું. આખરે 10 મેના રોજ કેનેરી આઇલેન્ડ્સના ટેનેરિફ ખાતે જહાજને રોકવામાં આવ્યું અને તપાસમાં સામે આવ્યું કે આ બધાના મૃત્યુ પાછળ જવાબદાર હતો “હંટાવાયરસ”.
શું છે હંટાવાયરસ?
હંટાવાયરસ કોઈ નવો વાયરસ નથી, પરંતુ તે દુનિયાના સૌથી ખતરનાક વાયરસોમાંનો એક ગણાય છે. આ વાયરસ મુખ્યત્વે ઉંદર અને અન્ય કૃંતકો દ્વારા ફેલાય છે. વિવિધ વિસ્તારોમાં તેની અસર અલગ રીતે જોવા મળે છે.
એશિયા અને યુરોપમાં અસર
અહીં આ વાયરસ “હેમોરેજિક ફીવર વિથ રેનલ સિન્ડ્રોમ” (HFRS) સર્જે છે, જેમાં કિડની પર ગંભીર અસર થાય છે અને આંતરિક રક્તસ્રાવ શરૂ થઈ શકે છે.
અમેરિકા ખંડમાં અસર
અમેરિકા વિસ્તારમાં વાયરસ “હંટાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ” (HPS) સર્જે છે, જેમાં ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે અને દર્દી શ્વાસ લેવામાં અસમર્થ બની જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને FDA પાસે હજુ સુધી આ વાયરસ માટે કોઈ માન્ય રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. ડોક્ટરો માત્ર “સપોર્ટિવ ટ્રીટમેન્ટ” આપી શકે છે. દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિ જ સૌથી મોટું હથિયાર બને છે.
મૃત્યુદર ચોંકાવનારો
હંટાવાયરસનો મૃત્યુદર લગભગ 50 ટકા સુધી પહોંચી શકે છે. તુલનાત્મક રીતે સામાન્ય ફ્લૂમાં મૃત્યુદર 0.1 ટકા કરતાં પણ ઓછો હોય છે, જ્યારે કોરોના મહામારીના સૌથી ખરાબ સમયગાળામાં પણ મૃત્યુદર 1થી 2 ટકા વચ્ચે રહ્યો હતો. એટલે હંટાવાયરસ સામાન્ય વાયરસથી અનેક ગણો વધુ જીવલેણ માનવામાં આવે છે.
કોરિયન યુદ્ધથી શરૂ થયેલી કહાની
1950ના દાયકામાં કોરિયન યુદ્ધ દરમિયાન હજારો અમેરિકન અને દક્ષિણ કોરિયન સૈનિકો એક અજાણી બીમારીથી પીડાયા હતા. લગભગ 30 વર્ષ સુધી વૈજ્ઞાનિકોને આ રોગનું સાચું કારણ સમજાયું નહોતું. અંતે 1980ના દાયકામાં દક્ષિણ કોરિયાના વાયરોલોજિસ્ટ ડૉ. હો વાંગ લીએ ઉંદરોમાં આ વાયરસ શોધ્યો અને કોરિયાની હંટાન નદી પરથી તેનું નામ “હંટાન વાયરસ” રાખવામાં આવ્યું.
જ્યારે માણસ જ વાયરસનો વાહક બન્યો...
હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરના મૂત્ર અથવા મલમાંથી ફેલાતો માનવામાં આવતો હતો. પરંતુ 1996માં આર્જેન્ટિનામાં “એન્ડીઝ સ્ટ્રેઇન” મળી આવ્યો, જે માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. 2026ના “ઘોસ્ટ શિપ” કેસમાં પણ આ જ સ્ટ્રેઇન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તપાસ મુજબ ડચ દંપતી ઉશુઆઇઆ નજીકના ઉંદરોથી ભરેલા કચરાના વિસ્તારમાં ગયા હતા, જ્યાંથી તેઓ સંક્રમિત થયા. ત્યારબાદ ક્રૂઝમાં નજીકના સંપર્કને કારણે વાયરસ અન્ય મુસાફરોમાં ફેલાયો. આબોહવા પરિવર્તન અને વાયરસનો ખતરો વિજ્ઞાનીઓ માને છે કે એલ નીનો જેવી આબોહવાની ઘટનાઓ હંટાવાયરસના ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારે વરસાદ પછી બીજ અને વનસ્પતિ વધી જાય છે, જેના કારણે ઉંદરોની સંખ્યા ઝડપથી વધે છે. વધુ ઉંદરો એટલે વધુ વાયરસ અને ત્યારબાદ માનવોમાં ચેપ ફેલાવાનો જોખમ. 1993માં અમેરિકાના સાઉથવેસ્ટ વિસ્તારમાં થયેલા હંટાવાયરસ પ્રકોપ પાછળ પણ આ જ કારણ જવાબદાર માનવામાં આવ્યું હતું.
શું આ આગામી વૈશ્વિક મહામારી બની શકે?
વિશ્વ આરોગ્ય સંસ્થાના મૂલ્યાંકન મુજબ હાલ સામાન્ય જનતા માટે જોખમ “લો રિસ્ક” ગણાય છે. કારણ કે આ વાયરસ ખૂબ જ ટૂંકા સમય માટે ચેપી રહે છે અને કોરોના કે ફ્લૂની જેમ હવામાં સરળતાથી ફેલાતો નથી. તેથી નિષ્ણાતો માને છે કે હંટાવાયરસથી વૈશ્વિક મહામારી સર્જાવાની શક્યતા ઓછી છે, પરંતુ જ્યાં તે ફેલાય ત્યાં ગંભીર જાનહાનિ કરી શકે છે.
બચાવ જ સૌથી મોટું હથિયાર
હંટાવાયરસ સામે હાલ કોઈ ચોક્કસ સારવાર કે રસી ઉપલબ્ધ નથી, તેથી બચાવ જ સૌથી મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો નીચેના ઉપાયો સૂચવે છે: ઘરમાં ઉંદરો પ્રવેશી શકે તેવા છિદ્રો બંધ રાખવા લાંબા સમયથી બંધ પડેલી જગ્યાઓ સાફ કરતી વખતે N95 માસ્ક અને ગ્લોવ્સ પહેરવા ખોરાક ખુલ્લો ન રાખવો અને સ્વચ્છતા જાળવવી કચરો યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે.
નિષ્ણાંતોનો મત
હંટા વાઇરસ બાબતે વાત કરતા જાણીતા ડોક્ટર આશિષ વકીલ જણાવે છે કે આ વાઇરસ ભલે ઉચો મોર્ટાલીટી રેઈટ ધરાવતો હોય, પરંતુ કોવીડ જેવી સ્થિતિ નિર્માણ કરી શકે તેવી શક્યતા નથી. આ વાઇરસ બાબતે સૌથી મોટી તકલીફ એ છે કે મેડીકલ વિશ્વમાં હાલ આ વાઇરસની કોઈ સીધી દવા કે રસી ઉપલબ્ધ નથી. ડોકટરોએ પોતાના અનુભવ મુજબ અન્ય વાઈરલ ટ્રીટમેન્ટની જેમ દર્દીની સારવાર કરવી પડે છે. મોર્ટાલીટી રેઈટ ઉચો હોય, પેશન્ટમાં પણ આ બાબતે ખાસ ડર રહેતો હોય છે. હાલ તો સાવધાની રાખવી એ જ જરૂરી છે. પરંતુ ઘોસ્ટ શીપમાં થયેલ ધટનાઓ વિશિષ્ટ ગણી શકાય પણ આને મહામારી ગણી શકાય નહિ.
“ઘોસ્ટ શિપ" ઘટના માનવજાત માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આબોહવા પરિવર્તન, વધતી માનવીય પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં થતા ફેરફારો નવા વાયરસ માટે માર્ગ તૈયાર કરી રહ્યા છે. હંટાવાયરસ આજે ભલે મર્યાદિત ખતરો હોય, પરંતુ તે બતાવે છે કે પ્રકૃતિમાં છુપાયેલા જોખમોને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં. જાગૃતિ અને સાવચેતી જ આવનારા સંકટ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.