આરોગ્ય

અરુણાચલ પ્રદેશની ટૂંકી પણ યાદગાર સફર: જ્યાં સૂર્યોદય સવારે 4 વાગ્યે થાય છે..

Bhavya D. Popat June 25, 2026 • 9 min read
શેર કરો:
0:00
AUDIO

પાસીઘાટ – પૂર્વોત્તર ભારતનું શાંત અને સુંદર શહેર

સિયાંગ નદીના કિનારે આવેલું પાસીઘાટ અરુણાચલ પ્રદેશનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે. શહેરનું વાતાવરણ અત્યંત શાંત, સ્વચ્છ અને હરિયાળું છે. રસ્તાઓ પર ભાગદોડ ઓછી અને લોકોના ચહેરા પર સંતોષ વધુ જોવા મળે છે. સ્થાનિક લોકો ખૂબ જ વિનમ્ર, સહાયભૂત અને મહેમાનનવાજ છે. અજાણ્યા વ્યક્તિને પણ મદદ કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહે છે.

પદ્મશ્રી યાનુન્ગ જામોહ લેગો – સેવાને જીવન સમર્પિત કરનાર મહિલા

મારી મુલાકાતનો મુખ્ય હેતુ હતો પદ્મશ્રી યાનુન્ગ જામોહ લેગોની હર્બલ ક્લિનિકમાં મારા નજીકના સગા માટેની દવા મેળવવાનો હતો અને યાનુન્ગ જામોહ લેગોની આ બાબતે મુલાકાત લેવાનો હતો. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે પણ તેમની કાર્યશક્તિ અદ્ભુત છે. સવારે શરૂ થયેલું તેમનું કાર્ય મોડી સાંજ સુધી સતત ચાલતું રહે છે. તેમની સાથે તેમની પુત્રી સહિત સમગ્ર ટીમ રોજના બારથી વધુ કલાકો સુધી દર્દીઓ માટે કાર્યરત રહે છે. આ સમય પછી ઓઅન દવા ઉત્પાદનમાં પણ તેઓ જે મહેનત કરે તે અલગ. દેશના લગભગ દરેક ખૂણામાંથી લોકો અહીં આવે છે. અરુણાચલ, આસામ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવારની આશાએ પાસીઘાટ પહોંચે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે દેશના સૌથી પૂર્વીય છેડે પહોચવાનું ખુબ મુશ્કેલ હોવા છતાં લોકો અહિયાં પહોચતા હોય છે તેનું કારણ એ છે કે આ લોકો પોતાના સગા સબંધી માટે એલોપેથી દવા કરાવી શકે તેમ નાં હોય અથવા તો એલોપેથી દવાથી તેઓ માટે સારવારની તકો બંધ થઇ ગઈ હોય છે.

નોંધણી સરળ નથી...

જો તમે અહીં આવવાનું આયોજન કરી રહ્યા હોવ તો એક મહત્વની સલાહ જરૂર આપીશ. અહીં નોંધણી કરાવવી જરાપણ સરળ નથી. દર્દીઓની સંખ્યા ખૂબ મોટી હોવાથી લાંબી રાહ જોવી પડી શકે છે. મોડી રાત્રે બે કલાકથી લોકો રજીસ્ટ્રેશન માટે લાઈન લગાવી દે છે. દવાઓ મેળવવામાં પણ સમય લાગી શકે છે. તેથી અહીં આવનારોએ સમયનો પૂરતો બફર રાખવો જોઈએ. પરત ફરવાની ટિકિટ અગાઉથી ખૂબ ટૂંકા ગાળાની ન રાખવી વધુ યોગ્ય રહેશે. હા એ બાબત જાણવી જરૂરી છે કે દર્દીને સાથે લાવવા જરૂરી નથી. આ તો થઇ દવા મેળવવાની વાત, પરંતુ આ દવા મેળવ્યા પછી આ દવાને બનાવવી દર્દીના સગા માટે અને ખાવી દર્દી માટે થોડી મુશ્કેલ જરૂર હોય છે. મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે પદ્મશ્રી યાનુન્ગ જામોહ પોતે વ્યક્તિગત રીતે કોઈ દર્દીના રીપોર્ટ કોઈ શકતા નથી કે નહિ તો દર્દી સાથે કે તેના સગા વધુ વાર્તાલાપ કરી શકે છે. ત્યાં પહોચનાર દર્દીઓની સંખ્યા એટલી મોટી હોય છે કે આ બાબત તો લગભગ અશક્ય છે. પરંતુ વિવિધ બીમારી પ્રમાણે હર્બલ દવાઓ રાખવામાં આવેલ હોય છે. આ દવાઓ દર્દી દ્વારા જે બીમારી જણાવવામાં આવે તે પ્રમાણે આપી દેવામાં આવે છે. એટલે જો કોઈ રીતે દવા મેળવવાની વ્યવસ્થા થઇ જાય તો પદ્મશ્રી યાનુન્ગ જામોહને મળવાનો આગ્રહ છોડી દવા મેળવી તેઓના Instagram તથા YouTube પરના વિડીયો જોઈ આ દવા કેવી રીતે લેવી તે જાની લઇ શકાય છે. કેન્સરના દર્દીની દવા ૫૬૦૦ જેવી રકમની થતી હોય છે તો કીડનીના દર્દી માટે ૨૫૦૦ જેવો ખર્ચ દવા માટે થતો હોય છે. જો કે આ ખર્ચ દર્દીની પરિસ્થતિ અને અન્ય બીમારીઓ ધ્યાને લઇ બદલતો હોય છે. આ દવા ત્રણ મહિના ચાલતી હોય છે તેવું કહેવામાં આવે છે.

એક મહિલાના કારણે ધમધમતું સ્થાનિક અર્થતંત્ર

મને સૌથી વધુ આશ્ચર્યચકિત કરનાર બાબત કદાચ આ હતી. એક હર્બલ ક્લિનિક માત્ર આરોગ્ય સેવા પૂરતી મર્યાદિત નથી રહી. તેના કારણે આખા પાસીઘાટના સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળી છે. હોટલ, હોમ-સ્ટે, ટેક્સી ડ્રાઈવર, સ્થાનિક રેસ્ટોરન્ટ, ચાની દુકાનો, નાના વેપારીઓ અને અન્ય અનેક વ્યવસાયો દેશભરમાંથી આવતા હજારો મુલાકાતીઓના કારણે રોજગારી મેળવી રહ્યા છે. એ કહેવું પણ અતિશયોક્તી નાં ગણાય કે સમગ્ર પાસીઘાટનું અર્થતંત્ર આ પદ્મશ્રી વિજેતા નારીની આજુબાજુ ફરતું રહે છે. અન્ય એક મહત્વની બાબત એ નોંધવી રહી કે અરુણાચલ પ્રદેશના સામાજિક જીવનમાં તથા અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન મહિલાઓનું હોય છે. શહેરમાં તમે જ્યાં ફરો ત્યાં તમને કોઈ ને કોઈ ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા અચૂક જોવા મળે.

સવારે ચાર વાગ્યે સૂર્યોદય!

ગુજરાતમાંથી આવેલા પ્રવાસી માટે સૌથી અનોખો અનુભવ રહ્યો અહીંનો સૂર્યોદય. ઉનાળાના દિવસોમાં સવારે લગભગ ચાર વાગ્યે જ સૂર્યોદય થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં લોકો ઊંઘમાં હોય છે ત્યારે અરુણાચલમાં આખું શહેર જાગી ચૂક્યું હોય છે. વહેલી સવારે પક્ષીઓનો કલરવ, પહાડોની પાછળથી નીકળતો સૂર્ય અને સિયાંગ નદીનો શાંત પ્રવાહ – આ દૃશ્ય જીવનભર યાદ રહી જાય એવું છે.

Additional Image

અરુણાચલ માત્ર પ્રવાસન સ્થળ નથી...

આ પ્રવાસે મને શીખવ્યું કે ભારતની સાચી શક્તિ તેની વિવિધતામાં વસે છે. અરુણાચલ પ્રદેશ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ ત્યાંના લોકોની સાદગી, પ્રામાણિકતા, મહેનત અને સેવા ભાવના માટે પણ યાદ રહે છે. પદ્મશ્રી યાનુન્ગ જામોહ લેગો અને તેમની ટીમ દર્દીઓ માટે જે સમર્પણ સાથે દિવસના બાર-બાર કલાકથી વધુ સમય સુધી સેવા આપે છે, તે ખરેખર પ્રેરણાદાયક છે. અરુણાચલ પ્રદેશમાંથી હું માત્ર સુંદર યાદો લઈને પરત ફરી રહ્યો નથી, પરંતુ એક એવો અનુભવ લઈને જઈ રહ્યો છું કે સેવા, સમર્પણ અને માનવતા હજુ પણ ભારતના દૂરના ખૂણાઓમાં જીવંત છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW