રોજગારીની વીપુલ તક ધરાવતા "જોબ વર્ક સેક્ટર" ને જી.એસ.ટી. માં વિશિષ્ટ મુક્તિ આપવી જરૂરી: પ્રમુખ જયેન્દ્ર તન્ના
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા પ્રધાનમંત્રી તથા નાણામંત્રીને હસ્ત કારીગરો માટે મહત્વની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જો કોઈ ઉત્પાદન કંપની પોતાનાં કારખાનામાં કામ કરાવે તો આંતરિક મજૂરી પર GST લાગતો નથી, પરંતુ એ જ કામ સ્વતંત્ર જોબ વર્કર અથવા કારીગરને સોંપવામાં આવે ત્યારે જોબ વર્ક ચાર્જ પર GST તેમજ તેની સંપૂર્ણ પાલન પ્રક્રિયાનો બોજો ઊભો થાય છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર ટેક્સટાઇલ, ચામડા, જેમ્સ એન્ડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોમાં લાખો કારીગરો આ નીતિના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે—જોબ વર્ક સેવાઓ પરની GST મુક્તિ પુનઃસ્થાપિત કરવી, સ્વતંત્ર કારીગરો અને નાના એકમોને રોજગાર સર્જક પ્રવૃત્તિ તરીકે માન્યતા આપવી તથા કારીગરોને કામ આપવાનું નિરોત્સાહિત કરતી કર વ્યવસ્થા દૂર કરવી. ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું છે કે જો સરકાર આ માંગણીઓ સ્વીકારશે તો લાખો કારીગરોના રોજગારનું રક્ષણ થશે, MSME ક્ષેત્ર વધુ મજબૂત બનશે, પરંપરાગત કૌશલ્ય જળવાઈ રહેશે અને 'મેક ઇન ઇન્ડિયા' તેમજ 'વોકલ ફોર લોકલ' અભિયાનને વધુ બળ મળશે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.