મહાકાળી ચેસ એકેડમી દ્વારા દીવ નજીક આવેલા ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે આયોજિત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ચેસ ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.સ્પર્ધામાં અનેક FIDE રેટેડ ખેલાડીઓની હાજરીએ ટુર્નામેન્ટનું સ્તર વધુ ઊંચું બનાવ્યું હતું. સવારથી શરૂ થયેલી સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને કેટેગરી મુજબ ખેલાડીઓ વચ્ચે બુદ્ધિ અને વ્યૂહરચનાના રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.અનુભવી ખેલાડીઓની સાથે યુવા અને ઉભરતા ચેસ પ્રતિભાઓએ પણ પોતાની રમત દ્વારા સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ટુર્નામેન્ટમાં વિજેતાઓને આકર્ષક ટ્રોફી ઉપરાંત વિવિધ કેટેગરીમાં રોકડ ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
રોકડ પુરસ્કારોને કારણે ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન રમાયેલી સ્પર્ધાઓ પારદર્શક અને વ્યવસ્થિત રીતે યોજાઈ હતી, જેના માટે ખેલાડીઓ અને તેમના વાલીઓએ આયોજકોની પ્રશંસા કરી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન ડૉ. યતિન સુરેશભાઈ મકવાણા અને તેમની સમર્પિત ટીમે કર્યું હતું. સ્પર્ધાના આયોજન, સમયપાલન, ખેલાડીઓ માટેની સુવિધાઓ તેમજ ટેક્નિકલ વ્યવસ્થાઓને ખેલાડીઓ અને ચેસપ્રેમીઓએ સરાહના કરી હતી.
ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટના વિશાળ અને અનુકૂળ પરિસરમાં યોજાયેલી આ સ્પર્ધાએ ખેલાડીઓને ઉત્તમ સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડ્યું હતું. રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલા ખેલાડીઓ, કોચ અને વાલીઓ માટે પણ આ ટુર્નામેન્ટ યાદગાર અનુભવ બની રહ્યો હતો.
આયોજકોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચેસ રમતને વધુ લોકપ્રિય બનાવવા અને નવા ખેલાડીઓને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી આવી સ્પર્ધાઓનું નિયમિત આયોજન કરવામાં આવશે.
ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને યોગ્ય મંચ મળે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટે માત્ર સ્પર્ધાત્મક ચેસને જ નહીં પરંતુ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, ખેલદિલી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુને પણ સફળતાપૂર્વક સાકાર કર્યો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.

Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.