સરકાર મોટા વેપારીઓ માટે UPI પર ચાર્જ (MDR) વસૂલવાની તૈયારીમાં: ગ્રાહકો અને નાના વેપારીઓ પર કોઈ અસર થશે નહિ
નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આર્થિક રીતે વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. નાણા મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2026' અંતર્ગત UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે કે ટ્રાન્ઝેક્શન ફી ફરીથી લાગુ કરવા માટે કાયદાકીય માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. સરકાર આ બિલ દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની કલમ 10A માં સુધારો કરવા જઈ રહી છે, જે અંતર્ગત અત્યાર સુધી લાગુ 'ઝીરો-MDR' (શૂન્ય ચાર્જ) નો કડક નિયમ હટાવીને માત્ર મોટા કોર્પોરેટ વેપારીઓ પર જ આ ચાર્જ મર્યાદિત રાખવામાં આવશે. વિશ્વસનીય સમાચાર સુત્રોના અહેવાલ મુજબ, આઇટી એક્ટની કલમ 269SU અંતર્ગત ₹50 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા મોટા કોર્પોરેટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ (જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મોટા મોલ્સ) પર MDR લાગુ કરવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી રહી છે.
નિયમનકારી ચર્ચા અને સંભવિત મર્યાદા:
જાણીતા બીઝનેસ સમાચાર પત્રોના અહેવાલ અને મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને આરબીઆઈ (RBI) દ્વારા આગામી સમયમાં ₹1 કરોડથી ₹1.5 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે પણ આંશિક MDR ની દરખાસ્તો પર વિચાર થઈ શકે છે તેવી શક્યતા રહેલી છે.
માત્ર મોટા ટ્રાન્ઝેક્શન પર નજર:
પ્રારંભિક ચર્ચાઓ મુજબ, આ ચાર્જ માત્ર ₹2,000 થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર જ MDR લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે, જેથી સામાન્ય વ્યવહારો પ્રભાવિત ન થાય.
સંભવિત MDR દર:
મોટા વેપારીઓ માટે આ ટ્રાન્ઝેક્શન ફી ખૂબ જ નજીવી એટલે કે 0.05% થી 0.07% (5 થી 7 બેસિસ પોઈન્ટ્સ) જેટલી રાખવાની દરખાસ્ત ચર્ચા હેઠળ છે. સામાન્ય ગ્રાહકો માટે UPI વ્યવહારો તદ્દન મફત રહેશે. આમ, દરખાસ્તથી સામાન્ય ગ્રાહકો કે યુઝર્સ પર કોઈ આર્થિક બોજ નહીં પડે. લોકો વચ્ચે થતા સામાન્ય પર્સન-ટુ-પર્સન (P2P) વ્યવહારો અને દૈનિક નાની ચૂકવણીઓ પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. નાના સ્થાનિક વેપારીઓને પણ આ MDR થી કોઈ અસર થશે નહિ. દેશના 90% થી વધુ નાના દુકાનદારો, કરિયાણાવાળા, શાકભાજી વિક્રેતાઓ અને સ્થાનિક નાના વેપારીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?:
સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ અને પેમેન્ટ ઉદ્યોગની માંગ અનુસાર, દર મહિને અબજો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈપણ ફી વગર પ્રોસેસ કરવાથી બેંકો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર સર્વર અને સાયબર સિક્યોરિટીનો આર્થિક ભાર વધી રહ્યો હતો. સિસ્ટમને લાંબા સમય સુધી આર્થિક રીતે સક્ષમ રાખવા આ નવો નિર્ણય જરૂરી બન્યો છે. આ બિલ ચાલુ સપ્તાહે સંસદમાં રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ આરબીઆઈ અને નાણા મંત્રાલય દ્વારા સત્તાવાર ફી માળખું અને આખરી થ્રેશોલ્ડ (Threshold) જાહેર કરવામાં આવશે.
શું UPI પેમેન્ટને થશે મોટી અસર?
UPI માં MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેઈટ લાગુ થતા એવા સમાચારો પ્રકાશિત થવા શરુ થઇ ગયા હતા કે હવે UPI નો ઉઉપ્યોગ કરવો પણ ક્રેડીટ કાર્ડના ઉપયોગ કરવા જેમ મોંઘો પડી જશે. પરંતુ આ બાબત અતાર્કિક છે. UPI નો બોજો માર્યાદિત વ્યવહારો ઉપર અને એ પણ લગભગ ક્રેડીટ કાર્ડ પર લગતી ફી કરતા લગભગ ત્રીજા ભાગનો રહેશે. આ સુધારો લાગુ થાય તો પણ UPI ના રોજ બરોજના મોટા ભાગના વ્યક્તિગત વ્યવહારોને આ સુધારાની કોઈ અસર થશે નહિ. બીજી બાજુ એ પણ વિચારવું જરૂરી છે કે UPI વ્યવહાર સતત વિના મુલ્યે આપવાના કારણે આ "ફીન ટેક" કંપનીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે જે લાંબા ગાળે સમગ્ર "ફાઈનાન્સ ઇકો સીસ્ટમ" ને મોટું નુકસાન કરી શકે છે. આ કંપનીઓ સતત સરકાર પાસે MDR વસુલ કરવાની માંગણી કરી રહી હતી. તેઓની ફરિયાદ હતી કે આવકના અભાવે સતત નુકસાનના કારણે તેઓ UPI સીસ્ટમમાં શોધ અને નવીનીકરણ કરી શકતા નથી. આમ, એકંદરે આ સુધારાથી UPI સીસ્ટમને અને તેના વપરાશકારને ટૂંકાગાળામાં નુકસાન જવાની ચોક્કસ સંભાવના રહેલી છે પરંતુ લાંબાગાળે સમગ્ર "ફીન ટેક ઇકોસીસ્ટમ" ને આનો ફાયદો મળી શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
જયેશ કાનાબાર
04 Aug, 2026