ગુજરાત

ઉત્પાદકો, પ્રોસેસિંગ અને જોબવર્ક યુનિટ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ખાસ રાહત યોજના

Bhavya D. Popat October 3, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026 હેઠળ મૂડી, વ્યાજ, વીજળી, રોજગાર સહિત અનેક સહાયની જોગવાઈ

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને પ્રોત્સાહન આપવા માટે “વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026 : MSME માટે સહાય યોજના” જાહેર કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી આ યોજના 1 જૂન, 2026થી અમલમાં આવી છે અને 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. નવી નીતિનો મુખ્ય હેતુ MSME ક્ષેત્રને મૂડી, ટેક્નોલોજી, નાણાં, બજાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે સહાય પૂરી પાડી નાના ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ MSME ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોજગાર અને સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

MSMEની નવી વ્યાખ્યા

યોજના હેઠળ પ્લાન્ટ અને મશીનરીમાં સમગ્ર ભારતમાં કરાયેલા ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ₹2.50 કરોડ સુધીનું રોકાણ ધરાવતું એકમ માઇક્રો, ₹2.50 કરોડથી વધુ અને ₹25 કરોડ સુધીનું એકમ સ્મોલ અને ₹25 કરોડથી વધુ તથા ₹125 કરોડ સુધીનું એકમ મીડિયમ MSME તરીકે ગણાશે.

મૂડી સહાય અને વ્યાજ સબસિડી

નવી યોજનામાં પાત્ર એકમોને Capital Subsidy, Interest Subsidy અને Power Tariff Subsidyમાંથી કોઈ એક અથવા એકથી વધુ ઘટકો પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ કુલ સહાય નિર્ધારિત મર્યાદામાં રહેશે. કેટેગરી-A વિસ્તારમાં સામાન્ય MSME માટે પાંચ વર્ષ દરમિયાન કુલ પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા EFCIના 45 ટકા, જ્યારે કેટેગરી-Bમાં 35 ટકા રાખવામાં આવી છે. કેટેગરી-Aમાં માઇક્રો તેમજ સ્મોલ અને મીડિયમ એકમો માટે મૂડી સહાયની મહત્તમ મર્યાદા 35 ટકા છે, જ્યારે કેટેગરી-Bમાં તે 25 ટકા સુધી છે. વ્યાજ સબસિડી હેઠળ ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજ સહાય પાંચ વર્ષ માટે, નિર્ધારિત મર્યાદા સુધી આપવામાં આવશે.

વીજળીના ખર્ચમાં પણ રાહત

યોજના હેઠળ પાત્ર એકમોને કેટેગરી-Aમાં ₹2 પ્રતિ યુનિટ અને કેટેગરી-Bમાં ₹1 પ્રતિ યુનિટ સુધીની પાવર ટેરિફ સહાય પાંચ વર્ષ માટે આપવામાં આવશે, જે EFCIની નિર્ધારિત મર્યાદા સુધી રહેશે.

રોજગાર વધારનાર ઉદ્યોગોને EPF સહાય

નવી યોજનામાં ગુજરાતમાં નવા કર્મચારીઓ માટે નોકરીદાતાએ ભરેલા EPFના કાયદેસર યોગદાનનું 100 ટકા સુધીનું રિઇમ્બર્સમેન્ટ પાંચ વર્ષ સુધી કરવાની જોગવાઈ છે. જોકે કર્મચારી દીઠ નિર્ધારિત મહત્તમ મર્યાદા લાગુ પડશે. વિસ્તરણ અથવા ડાઇવર્સિફિકેશનના કિસ્સામાં વધારાના કર્મચારીઓ માટે જ આ સહાય લાગુ પડશે.

ERP, ICT અને AI માટે સહાય

MSMEના આધુનિકીકરણ માટે ERP સિસ્ટમ સ્થાપિત કરવા 65 ટકા સુધીની સહાય, મહત્તમ ₹1 લાખની જોગવાઈ છે. ICT, ક્લાઉડ કમ્પ્યુટિંગ તથા Industry 4.0/AI સંબંધિત ટેક્નોલોજી માટે 65 ટકા સુધીની મૂડી સહાય, મહત્તમ ₹5 લાખ સુધી મળી શકે છે.

ટેક્નોલોજી અને પેટન્ટ માટે પ્રોત્સાહન

માન્ય સંસ્થાઓ પાસેથી ટેક્નોલોજી મેળવવા માટે 65 ટકા સુધીની સહાય અને મહત્તમ ₹50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પેટન્ટ રજીસ્ટ્રેશન માટે 75 ટકા સુધીની સહાય, મહત્તમ ₹25 લાખ પ્રતિ અરજદાર/એન્ટરપ્રાઇઝ સુધીની સહાય મળી શકે છે.

ઊર્જા અને પાણી બચત માટે પણ સહાય

ઉદ્યોગોમાં ઊર્જા અને પાણીની બચતને પ્રોત્સાહન આપવા માટે માન્ય સંસ્થા અથવા કન્સલ્ટન્ટ દ્વારા કરાયેલા એનર્જી/વોટર ઓડિટના ખર્ચના 75 ટકા સુધી, મહત્તમ ₹50,000ની સહાય અને ઓડિટમાં સૂચવાયેલા સાધનોની કિંમતના 25 ટકા સુધી, મહત્તમ ₹20 લાખની સહાયની જોગવાઈ છે. સાધનો માટે ઓછામાં ઓછા 10 ટકા ઊર્જા અથવા પાણી બચતની શરત છે.

SME Exchange દ્વારા મૂડી ઊભી કરવા પ્રોત્સાહન

SME Exchange મારફતે ઇક્વિટી મૂડી ઊભી કરનાર MSMEને સફળતાપૂર્વક ફંડ ઊભું કર્યા બાદ ખર્ચના 25 ટકા સુધી, મહત્તમ ₹5 લાખની એક વખતની સહાય આપવામાં આવશે.

પાવર કનેક્શન અને ભાડા માટે સહાય

GIDC અથવા મંજૂર ઔદ્યોગિક પાર્કની બહાર આવેલા પાત્ર MSMEને નવા વીજ કનેક્શન, વધારાના લોડ અથવા કનેક્શન શિફ્ટિંગ માટે ચૂકવાયેલા પાત્ર ચાર્જના 35 ટકા સુધી, મહત્તમ ₹5 લાખની સહાય મળી શકે છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ માટે ભાડે અથવા લીઝ પર શેડ લેનાર MSEને ભાડાના 65 ટકા સુધી, મહત્તમ ₹3 લાખ પ્રતિ વર્ષ, જ્યારે 100 ટકા મહિલા માલિકીની એન્ટરપ્રાઇઝ માટે 75 ટકા સુધીની સહાય પાંચ વર્ષ સુધી આપવાની જોગવાઈ છે.

પસંદગીના થ્રસ્ટ સેક્ટર માટે વધુ પ્રોત્સાહન

સરકારે સ્પોર્ટ્સ ગુડ્સ અને ઇક્વિપમેન્ટ, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોન જેવા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને Selected Thrust Sector તરીકે ઓળખાવ્યા છે. આવા ક્ષેત્રોમાં કેટેગરી-A માટે કુલ પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા EFCIના 50 ટકા અને કેટેગરી-B માટે 45 ટકા સુધી રાખવામાં આવી છે. આ સેક્ટર માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જની 100 ટકા રિઇમ્બર્સમેન્ટ, IPR ખર્ચ માટે 75 ટકા સુધીની સહાય અને મહત્તમ ₹1 કરોડ, ટેક્નોલોજી એક્વિઝિશન માટે 65 ટકા અને મહત્તમ ₹1 કરોડ, તેમજ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન માટે 100 ટકા અને મહત્તમ ₹5 કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

AI સબસ્ક્રિપ્શન માટે ખાસ જોગવાઈ

Selected Thrust Sectorમાં આવતા પાત્ર માઇક્રો એન્ટરપ્રાઇઝ અને કારીગરોને AI Subscription Feeના 80 ટકા સુધીની સહાય, વાર્ષિક મહત્તમ ₹1 લાખ અને ત્રણ વર્ષ સુધી આપવાની જોગવાઈ છે.

સમયમર્યાદાનું પાલન અત્યંત જરૂરી

યોજનામાં વિવિધ સહાય માટે સામાન્ય રીતે સંબંધિત ઘટના બાદ છ મહિનાની અંદર અરજી કરવાની જોગવાઈ છે. Final Eligibility Certificate માટે છ મહિનાની સમયમર્યાદા ચૂકી જાય અને બે વર્ષની અંદર અરજી કરવામાં આવે તો પ્રોત્સાહનની અવધિ અને રકમમાં વિલંબના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. બે વર્ષ બાદ FEC અરજી સ્વીકારવામાં નહીં આવે.

85 ટકા સ્થાનિક રોજગારની શરત

યોજનાનો લાભ લેનાર ઉદ્યોગે પોતાના કુલ કર્મચારીઓમાં ઓછામાં ઓછા 85 ટકા ગુજરાતના ડોમિસાઇલ ધરાવતા વ્યક્તિઓને રોજગાર આપવો પડશે. મેનેજરીયલ અને સુપરવાઇઝરી કેડરમાં ગુજરાત ડોમિસાઇલ ધરાવતા કર્મચારીઓનું પ્રમાણ ઓછામાં ઓછું 60 ટકા હોવું જરૂરી છે.

ઉદ્યોગોએ સાવચેતી રાખવી પડશે

સરકારની આ યોજના MSME ક્ષેત્ર માટે અનેક પ્રકારની સહાયની તકો ઊભી કરે છે, પરંતુ દરેક MSMEને દરેક લાભ આપમેળે મળશે એવું નથી. ખાસ કરીને મુખ્ય યોજના હેઠળની Enterpriseની વ્યાખ્યા મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન, પ્રોસેસિંગ અથવા જોબવર્ક સાથે જોડાયેલી છે, જ્યારે કેટલીક સહાયમાં સર્વિસ અને ટ્રેડિંગ પ્રવૃત્તિને સ્પષ્ટ રીતે બહાર રાખવામાં આવી છે. તેથી હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ જેવી સર્વિસ સેક્ટરની સંસ્થાઓએ કોઈ પણ સહાયનો દાવો કરતાં પહેલાં તેમની ચોક્કસ પ્રવૃત્તિ અને પાત્રતા તપાસવી જરૂરી રહેશે. આ રીતે “વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026” ગુજરાતના MSME ક્ષેત્રને મૂડી રોકાણ, ટેક્નોલોજી અપગ્રેડેશન, રોજગાર સર્જન, ઊર્જા બચત, ગુણવત્તા સુધારણા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ આગળ વધારવા માટે બહુવિધ પ્રોત્સાહનો ધરાવતી નીતિ તરીકે સામે આવી છે. સરકારની આ યોજના ઉત્પાદક, પ્રોસેસિંગ, જોબવર્ક જેવા ઉદ્યોગોને લાભકર્તા લાગી રહી છે. પરંતુ આ યોજનાનો અમલ જમીની સ્તરે આ યોજનાનો હેતુ પૂર્ણથાય તેવી રીતે કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW