નોંધણી પ્રમાણપત્રની અસરકારક તારીખ ટર્નઓવર મર્યાદા વટાવ્યાની તારીખથી કરવા માંગ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની Indirect Tax Committee દ્વારા GST નોંધણી પ્રમાણપત્રની અમલી તારીખ અંગે GST કાઉન્સિલના અધ્યક્ષ શ્રીમતી નિર્મલા સીતારમણ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. GCCIએ CGST Act, 2017ના Rule 10(2) અને Rule 10(3)ના વ્યવહારિક અમલમાં રહેલી વિસંગતતા દૂર કરવાની માંગ કરી છે.
નિયમ અને વ્યવહાર વચ્ચે વિસંગતતા:
CGST Actની કલમ 22(1) મુજબ, જ્યારે કોઈ સપ્લાયરનું કુલ ટર્નઓવર નિર્ધારિત થ્રેશોલ્ડ મર્યાદા કરતાં વધી જાય ત્યારે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં GST નોંધણી કરાવવી ફરજિયાત બને છે. GCCIના જણાવ્યા મુજબ, Rule 10(2) હેઠળ જો કરદાતા નોંધણી માટે જવાબદાર બન્યાની તારીખથી 30 દિવસની અંદર અરજી કરે છે, તો નોંધણીની અસરકારક તારીખ એ જ તારીખ હોવી જોઈએ જે દિવસે નોંધણીની જવાબદારી ઊભી થઈ હતી. જોકે, જમીની સ્તરે પોર્ટલ પર પ્રમાણપત્ર મોટાભાગે પ્રમાણપત્ર આપવામાં આવે તે તારીખથી અમલમાં મૂકવામાં આવે છે. GCCIએ આ બાબતને નિયમની સ્પષ્ટ જોગવાઈથી વિપરીત ગણાવી છે.
મોડેથી અરજી કરનાર માટે પણ સ્પષ્ટતા જરૂરી:
GCCIએ Rule 10(3) અંગે પણ રજૂઆત કરી છે. જો નોંધણી માટે જવાબદાર બન્યાની તારીખથી 30 દિવસ બાદ અરજી કરવામાં આવે, તો હાલ પ્રમાણપત્ર જારી થયાની તારીખથી નોંધણી અસરકારક બને છે. GCCIના મતે આ સ્થિતિમાં અરજી કરવાની તારીખ અને નોંધણી મંજૂર થવાની તારીખ વચ્ચેના સમયગાળા અંગે કરદાતાઓ માટે અનિશ્ચિતતા ઊભી થાય છે.
સ્વૈચ્છિક GST નોંધણીમાં પણ અરજીની તારીખથી અસર:
GCCIએ સ્વૈચ્છિક નોંધણીના કિસ્સામાં પણ મહત્વપૂર્ણ અને જરૂરી ફેરફારની માંગ કરી છે. તેના મતે એકવાર સ્વૈચ્છિક GST નોંધણી મંજૂર થઈ જાય પછી તેની અસરકારક તારીખ મંજૂરીની તારીખને બદલે અરજીની તારીખ હોવી જોઈએ, જેથી અરજી મંજૂર થવાની રાહ જોતા વ્યવસાય શરૂ કરવા અથવા ચાલુ રાખવામાં કરદાતાને અડચણ ન આવે.
GCCIની ત્રણ મુખ્ય માંગ:
GCCIએ પોતાની રજૂઆતમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરી છે:
1. સમયસર કરાયેલી ફરજિયાત નોંધણી: 30 દિવસની અંદર અરજી કરવામાં આવે તો GST નોંધણીની અસરકારક તારીખ એ તારીખ હોવી જોઈએ જ્યારે કરદાતાનું ટર્નઓવર થ્રેશોલ્ડ મર્યાદા કરતાં વધી ગયું હોય.
2. વિલંબથી કરાયેલી ફરજિયાત નોંધણી: જો 30 દિવસની સમયમર્યાદા બાદ અરજી કરવામાં આવે તો પણ નોંધણી પ્રમાણપત્રની અસરકારક તારીખ અરજીની તારીખથી કરવાની માંગ કરવામાં આવી છે.
3. સ્વૈચ્છિક નોંધણી: સ્વૈચ્છિક GST નોંધણીના કિસ્સામાં પણ પ્રમાણપત્રની અસરકારક તારીખ અરજીની તારીખથી હોવી જોઈએ.
જી.એસ.ટી. હેઠળ અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે કે જી.એસ.ટી. પોર્ટલ અથવા તો વ્યવહારિક પરિસ્થિતિ કાયદા અને નિયમ હેઠળ પ્રસ્થાપિત જોગવાઈઓથી વિરુદ્ધ હોય છે. જી.એસ.ટી. નોંધણી હેઠળ આ જ પરિસ્થિતિનો સામનો કરદાતાઓ કરી રહ્યા છે. આજે દસ વર્ષ જેવો સમય થઇ ગયો હોવા છતાં આ પ્રકારની પ્રાથમિક બાબતોમાં કરદાતાઓને હજુ સમસ્યાઓ પડી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસટ્રી દ્વારા આ બાબતે રજૂઆત કરી આમાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.